Monday, June 30, 2025
spot_img
HomeGujaratનડિયાદ નગરપાલિકાના સભ્યના દીકરા સહિત 2 સામે એટ્રોસિટીની ફરિયાદ

નડિયાદ નગરપાલિકાના સભ્યના દીકરા સહિત 2 સામે એટ્રોસિટીની ફરિયાદ

નડિયાદ નગરપાલિકાના સભ્યના દીકરા સહિત 2 સામે એટ્રોસિટીની ફરિયાદ

– બંને પક્ષોની ફરિયાદના આધારે 4 શખ્સો વિરૂધ્ધ ગુનો

– સામાપક્ષે પાલિકા સભ્યના દીકરાએ ગળામાંથી સોનાનો દોરો બે શખ્સો તફડાવી ગયાની ફરિયાદ નોંધાવી

નડિયાદ : નડિયાદ નગરપાલિકાના જવાહર નગર વોર્ડ નં.૩ના મહિલા સભ્યના દીકરા અને તેના સાળાએ બે વ્યક્તિઓને જાતિ અપમાનિત કર્યા હોવાની એટ્રોસિટી હેઠળ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામા પક્ષે પાલિકાના સભ્યના દીકરાએ બે ભાઈઓ સામે સોનાનો દોરો લૂંટી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

નડિયાદ શહેરમાં જવાહર નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા પ્રતીક ડાહ્યા સોલંકી તા.૩ જૂનની રાત્રે ઘર પાછળ આવેલા અંબા માતાના મંદિરે પોતાના મિત્રો પ્રથમ ભરતભાઈ સોલંકી, કીશનભાઈ જતીનભાઇ ભટ્ટ તથા શ્લોક કૌશીકભાઈ જોશી સાથે બેઠા હતા. દરમિયાન ગાડી લઈને આવેલા જવાહર નગર વોર્ડ નં.૩ના પાલિકા સભ્ય મીનાબેન દાદલાણીનો દીકરો ગિરીશ અર્જુન દાદલાણી (રહે. મંજીપુરા રોડ) લાકડાનો ડંડો લઈ ગાડીમાંથી ઉતરી જાતિ વિરૂદ્ધ શબ્દો બોલી અપમાનિત કરી અપશબ્દો બોલી, તું મારી પીઠ પાછળ કેમ ગમે તેમ અપશબ્દો બોલે છે તેમ કહી પ્રતીકને લાકડાના દંડા અને ગડદાપાટુનો માર માર્યો હતો. 

જ્યારે ગિરીશના સાળા ભાવેશે પ્રતીકને માથામાં ઈંટ મારી હતી. તેમજ યુવકના ભાઈ અને ભાભીને માર માર્યો હતો. આ અંગે પ્રતિક સોલંકીની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે ગિરીશ દાદલાણી અને તેના સાળા ભાવેશ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષે પાલિકાના સભ્યના દીકરા ગીરીશ દાદલાલીએ ફરિયાદ નોંધાવી હતી કે, પ્રતીક સોલંકી અને તેના ભાઇ અરૂણભાઈ મારી પીઠ પાછળ અપશબ્દો બોલતા હોવાથી તેને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી ગિરીશ અને તેના સાળા ભાવેશભાઈ ગાડી લઇને જતા હતા ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડ નડિયાદ ખાતે પ્રતીકભાઈ ડાહ્યાભાઈ સોલંકી તથા તેના ભાઈ અરૂણ સોલંકીએ સ્કુટર ગાડી આગળ આડુ કરી દીધું હતું.

 જેથી ગાડી ઊભી રાખતા પ્રતીકે, તું બધા વેપારીઓનું ઉપરાણું લઈને અમને બંને ભાઈઓને કેમ ધાકધમકી આપે છે તેમ કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. જેમાં ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચી તોડી નાખ્યો હતો. જેથી ગિરીશે દોરો ઝુટવવા પ્રયત્ન કરતા અરૂણે તેના ખીસ્સામાંથી છરો કાઢી ગાડીમાંથી નીચે ઉતરીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે ગિરીશ અર્જુનદાસ દાદલાણીની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે પ્રતીકભાઇ સોલંકી અને અરૂણભાઈ સોલંકી સામે ગુનો નોંધ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x