માણસા તાલુકાની “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ખાતે શુક્રવારે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના અધ્યેતા ભાઈ-બહેનોને યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પરત્વે સભાનતા કેળવવાના શુભાશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાનો, આંગણવાડી કાર્યકર બહેનો, સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મિત્રો અને કેળવણી મંડળના સદસ્યો હાજર રહ્યા હતા. ધ્યાનમંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી વ્યાયામ શિક્ષક સંજયભાઈ નાયક દ્વારા યોગનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.



બાળકોએ આ પ્રસંગે જાહેરમાં એક સંકલ્પ લીધો હતો. આચાર્યએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્રામજનો અને યુવાનોમાં યોગ પ્રત્યે જનજાગૃત્તિ ફેલાય તે આવશ્યક છે. શાળાના વિજ્ઞાન શિક્ષક રાકેશભાઈ પ્રજાપતિએ ‘યોગનું જીવનમાં મહત્વ’ વિશે સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. શાળાના વિશાળ પટાંગણમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એમ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના થનગનતા યુવાનો અને વડીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.