ગાંધીનગર: ગાંધીનગરના છાલા ગામે આંગણવાડીમાં એક વૃદ્ધા પર હુમલો થયો છે, જેમાં તેમનો હાથ ફ્રેક્ચર થયો. આંગણવાડીના મહિલા કર્મચારીને ગાળો બોલતા રોકવા જતાં ૭૦ વર્ષીય મંગીબેન ચેલાભાઈ ચૌધરી પર ગામના ફિરોજ ગુલામહુસેન લુહારે હુમલો કર્યો હતો. મંગીબેને ફિરોજને ગાળો બોલતા અટકાવતા, તેણે ગુસ્સે ભરાઈ મંગીબેનનો જમણો હાથ જોરથી મચડી નાખ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ઈજાને પગલે મંગીબેનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું. આ મામલે ચિલોડા પોલીસે ફિરોજ લુહાર સામે કલમ ૩૨૫ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
