યોગેશ શાહ, મોડાસા: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ એક વિશાળ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના મહત્વ પર ભાર મૂકવાનો હતો.

સાયકલોથોનનું પ્રસ્થાન મોડાસાના સાંઈ મંદિર, ઓધારી ગાર્ડન પાસેથી થયું હતું, જેમાં જિલ્લાના અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે સાયકલોથોનનો શુભારંભ કરાવ્યો અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, રમત-ગમત અધિકારી પ્રકાશ ક્લાસવા તેમજ “સન્ડે ઓન સાયકલ” સમૂહના સભ્યો અને અન્ય ઉત્સાહી નાગરિકો પણ હાજર રહ્યા હતા. આ રેલીમાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને પર્યાવરણપ્રેમી નાગરિકોની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી.