ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષક અને સેક્ટર ઓફિસર, શ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર દ્વારા મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત અસાધારણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં તેમણે જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.

ધર્મેશકુમાર ગજ્જરને પોસ્ટર ડિઝાઇનમાં જિલ્લામાં પ્રથમ સ્થાન, ઓડિયો ગીત/સંદેશમાં જિલ્લામાં પ્રથમ સ્થાન અને વિડિયો સ્પર્ધામાં જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. તેમની આ સિદ્ધિ બદલ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ દવે સાહેબ દ્વારા તેમને સન્માનપત્રો અને પુરસ્કાર (ચેક) એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો મતદાર નોંધણી અધિકારી, 34 દહેગામ વિધાનસભા મતવિસ્તાર અને જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર, ડૉ. શ્વેતા પંડ્યા (G.A.S.) મેડમના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા, જેમણે તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં શુભેચ્છાઓ પાઠવી હતી.
ધર્મેશકુમાર ગજ્જરની જિલ્લામાં પ્રથમ આવેલી બે કૃતિઓએ રાજ્યકક્ષાએ પણ ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યુવા મતદાર મહોત્સવ 2024/2025ની વિવિધ સ્પર્ધાઓમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને તેમણે તાલુકા અને શાળાનું નામ રોશન કર્યું છે, જેના બદલ સૌ કોઈએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષક ધર્મેશ ગજ્જરને અગાઉ પણ તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે, જેમાં ગાંધીનગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાજ્યકક્ષાનો ચિત્રકૂટ એવોર્ડ, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાજ્યકક્ષાનો વિશ્વકર્મા રત્ન એવોર્ડ, શ્રેષ્ઠ બી.એલ.ઓ. એવોર્ડ, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ અને અન્ય અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. તેમની આ સિદ્ધિઓ તેમના સમર્પણ અને મહેનતને દર્શાવે છે.