ડી એન વાઘેલા, જંબુસર: જંબુસર તાલુકાના નહાર અને સારોદ ગામને જોડતા માર્ગ પર આજે વહેલી સવારે જોરાદાર પવન ફૂંકાવાને કારણે એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે જંબુસર-કાવી રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના કારણે અનેક વાહનચાલકો અને મુસાફરો રસ્તામાં અટવાઈ પડ્યા હતા.

વાહનવ્યવહાર ઠપ્પ, મુસાફરો અટવાયા
વૃક્ષ રસ્તાની બરાબર વચ્ચે પડતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સરકારી બસો સહિત અનેક ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકો અટવાઈ પડ્યા હતા. ખાસ કરીને નાના વાહનચાલકોને અવરજવર માટે કેનાલના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
લાંબી જહેમત બાદ રસ્તો ખૂલ્યો
વૃક્ષને રસ્તા પરથી હટાવવા માટે સ્થાનિકો અને તંત્ર દ્વારા ઘણી જહેમત ઉઠાવવામાં આવી હતી. આખરે, ઘણા પ્રયાસો બાદ વૃક્ષને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો, જેના કારણે અટવાયેલા મુસાફરો અને વાહનચાલકોને રાહત મળી હતી.