ઇડર (રાજેશ ચાવડા): સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં શનિવારે ભારે ગરમી અને ઉકળાટ બાદ અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, ભારે વરસાદને કારણે ઇડર શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.
ખાસ કરીને, રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે હિંમતનગર-અંબાજી માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. વાહનોને લાલોડા થઈને ડાયવર્ટ કરવાની ફરજ પડતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવા બની રહેલા અંડરબ્રિજમાં પણ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતાં તેની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે અને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વણસી શકે તેવી ચિંતા સ્થાનિકોમાં જોવા મળી રહી છે.
