બિઝનેસ આઉટલુક મજબૂત રહેતા ભરતી ૨૧ મહિનાની ટોચે
Updated: Jun 6th, 2024


મુંબઈ : ઘરઆંગણે માગ મંદ પડતા મેમાં ભારતની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડીને પાંચ મહિનાની નીચી સપાટીએ જોવા મળી હતી. જો કે સેવા ક્ષેત્રની નિકાસ માગ ઊંચી રહી હતી અને રોજગાર નિર્માણનું સ્તર ૨૧ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા સેવા ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) મેમાં ઘટી ૬૦.૨૦ રહ્યો હતો જે એપ્રિલમાં ૬૦.૮૦ જોવા મળ્યો હતો. જો કે મેમાં સતત ૩૪માં મહિને ઈન્ડેકસ ૫૦થી ઉપર રહેવામાં સફળ રહ્યો છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.
ઘરઆંગણે ઓર્ડરમાં સાધારણ ઘટાડો થયો હતો પરંત નિકાસ માગમાં વધારો એક દાયકાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. એક દાયકા પહેલા જ્યારથી નિકાસ માગની સ્થિતિનો અંદાજ મેળવવા સબ-ઈન્ડેકસ તૈયાર કરવાનું શરૂ કરાયું છે ત્યારથી મેની સેવા નિકાસમાં વધારો અત્યારસુધીનો સૌથી ઊંચો છે.
ઘરઆંગણે હીટવેવને કારણે સેવા માટેની માગ ગયા મહિને મંદ રહી હતી એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ચીનના અર્થતંત્રમાં રિકવરી અને અમેરિકામાં આર્થિક પ્રવૃત્તિમાં સ્થિતિસ્થાપકતા જોતા નિકાસ માગમાં મજબૂતાઈ જળવાઈ રહેવાની અપેક્ષા છે.
ઊંચી માગને પરિણમે આગામી ૧૨ મહિના માટે બિઝનેસ આઉટલુક વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયાનું જોવા મળ્યું છે.
ૅ આઉટલુક આશાવાદી જણાતા કંપનીઓ દ્વારા નવા રોજગારનો ઉમેરો પણ ઓગસ્ટ ૨૦૨૨ પછીનો સૌથી ઊંચો રહ્યો હતો.
કાચા માલના ભાવ ઊંચે જતા સર્વિસ પ્રોવાઈડરોએ સેવા માટેના ચાર્જમાં વધારો કરવાની ફરજ પડી હતી. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત ઈન્ડેકસ પણ મેમાં ઘટી ૬૦.૫૦ રહ્યો હતો.