અરવલ્લી જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી અરવલ્લી, મોડાસાના માર્ગદર્શન અને સુચના અન્વયે મહિલાઓમાં ગર્ભાશયના મુખ, સ્તન અને મોંઢાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી સહિત આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં મહિલા રોગ નિદાન કેમ્પો નું વિશેષ આયોજન કરવાના ભાગરૂપે આજ તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ભિલોડામાં ગર્ભાશયના મુખના કેન્સરનું VIA પધ્ધતિથી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.૩૦ થી વધુ ઉંમરની મહિલાઓમાં ગર્ભાશયના મુખ, સ્તન અને મોંઢાના કેન્સર, ડાયાબીટીસ અને હાયપરટેન્શન જેવા રોગોની તપાસણી કરવામાં આવેલ હતી.
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ભિલોડા અધિક્ષક, તાલુકા હેલ્થ ઓફિસર, ભિલોડા દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું.કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દિનેશ ડામોર દ્વારા મહિલાઓની ઉપરોકત બાબતે આરોગ્ય તપાસણી કરવામાં આવેલ હતી.હાજર તમામ મહિલાઓને બિન ચેપી રોગોના નિયંત્રણ અને મહિલાઓમાં ગર્ભાશયના મુખ, સ્તન અને મોંઢાના કેન્સર વિશે જાણકારી આપી હતી.સમાજમાં મહિલાઓને VIA થી નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ગર્ભાશયના મુખના કેન્સરની નિ:શુલ્ક પ્રાથમિક તપાસણી કરાવવાનો લાભ લેવા માટે, આ બાબતે સમાજમાં જન જાગૃતિ ફેલાય તે બાબતે સંદેશો આપવા જણાવેલ હતું.કેમ્પમાં આશા બહેનો, આંગણવાડી બહેનો, તેડાઘર બહેનો સહિત અન્ય લાભાર્થીઓ સાથે મળી કુલ ૧૨૮ બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો.કાર્યક્રમમાં જીલ્લા કક્ષાએથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.
