ભિલોડાના મુનાઈ સાબરકાંઠા બેન્કના કર્મચારીની ગઈકાલે બપોરે 4 કલાક બાદ મુનાઈ સા.કો.બેન્ક શાખાના મેનેજર મહેશ પ્રજાપતિ અને બેન્કના સેવક ધ્રુવકુમાર ડાહ્યાભાઈ ચૌધરી ભિલોડા સાબરકાંઠા બેન્કની મુખ્ય શાખામાંથી બેન્કના 25 લાખ રૂપિયા ઉપાડીને બાઇક પર મુનાઈ જઈ રહ્યા હતા. એવામાં પાછળથી સ્પીડ બાઇક પર ત્રણ અજાણ્યા બુકણીધારીઓ આવ્યા અને મુનાઈ સા.કો . બેન્ક કર્મચારીની બાઇક અટકાવી બંદૂક બતાવીને એક બુકાણીધારીએ બાઇક ચાલક મહેશ પ્રજાપતિની આંખમાં મરચું નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મેનેજર મહેશ પ્રજાપતિએ હેલ્મેટ પહેરેલ હોવાથી મરચું આંખમાં પડ્યું ના હતું.ત્યાર બાદ અન્ય બે બુકનીધારીઓએ પણ મેનેજર અને સેવક સાથે ઝપાઝપી કરી હતી.

લૂંટારાઓમાંથી એક લૂંટારાએ પોતાના પાસેથી ખંજર જેવું તીક્ષ્ણ હથિયાર કાઢીને મારવા જતા બેન્કના મેનેજરે એ ખંજર હાથમાં પકડી લીધું હતું. આમ લૂંટારાએ નાણાં ભરેલ બેગ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મેનેજર મહેશ પ્રજાપતિ અને સેવક ધ્રુવ ચૌધરી હિંમત હાર્યા ના હતા અને તાકાતથી બુકનીધારીનો સામનો કર્યો હતો. બેન્કના 25 લાખ રૂપિયા લૂંટાતા બચાવ્યા હતા. ખંજરનો ઘા મહેશ પ્રજાપતિને હાથમાં વાગતા ભિલોડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી.સમગ્ર ઘટના બાદ ભિલોડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મુનાઈ બેન્કના મેનેજર મહેશ પ્રજાપતિ પાસે બધી હકીકત જાણી મોડી રાત્રે અજાણ્યા ત્રણ બુકનીધારીઓ સામે લૂંટના પ્રયાસનીફરિયાદ નોંધી હતી. હાલ ભીલોડા પોલીસ ભિલોડા સાબરકાંઠા બેન્કના સીસીટીવી મેળવી અજાણ્યા બુકનીધારીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.