ગુજરાત વિદ્યાપીઠ ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને લાઈફ કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ અવરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત લિંગ સમાનતા વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી વૃતિકા વેગડા દ્વારા લિંગ સમાનતા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મહિલાઓને સુરક્ષા આપતી વિવિધ યોજનાઓ જેવી કે, બેટી બચાઓ બેટી પઢાઓ,

સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઈન યોજના વગેરેની માહિતી આપવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન ટીમના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી.તદુપરાંત, બોપલ પોલીસ સ્ટેશનના PBSC કાઉન્સેલર શ્રી દીપિકાબહેન દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ કમ પ્રોબેશનરી ઓફિસર વિજયભાઈ પ્રજાપતિ દ્વારા બાળકોને લગતા કાયદાઓ અને યોજનાઓ વિશે લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના શ્રી અરુણભાઈ ગાંધી, લાઈફ કેર પ્રોજેક્ટના મેનેજર શ્રી સિદ્ધરાજભાઈ તેમજ લાઈફ કેર પ્રોજેક્ટનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહયા હતા.