ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસ પર રવાના થશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર વાતચીત કરી શકે છે.

5 વર્ષ બાદ પીએમ મોદીના’ રશિયા પ્રવાસ પર સૌની નજર, આ મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના
- વિદેશ મંત્રાલયની તરફથી નવી દિલ્હીમાં આ ઉચ્ચ સ્તરની યાત્રાને લઈને કહેવામાં આવ્યું કે, બંને નેતાઓ બંને દેશની વચ્ચે બહુઆયામી સંબંધોને લઈને વિસ્તારથી સમીક્ષા કરશે. સાથે જ એકમેકના હિતને લઈને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
- ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે અન્ય કાર્યક્રમો ઉપરાંત બંને નેતાઓ મોસ્કોમાં અનૌપચારિક વાતચીત પણ કરશે. તેમણે વધુમાં કહ્યું, દેખીતી રીતે એજન્ડા વ્યાપક હશે. આ પીએમ મોદીની સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વાત કરી શકશે.
- પેસ્કોવે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આ મધ્ય યુરોપીયન દેશની મુલાકાત લેવી ખૂબ જ સન્માનની વાત છે. બંને દેશો સહયોગ વધારવા માટે નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરશે.”
ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેઝાન્ડર વાન ડેર બેલન અને ચાન્સેલરને મળશે. પીએમ મોદી અને ચાન્સેલર નેહમર ભારત-ઓસ્ટ્રિયાના ટોચના ઉદ્યોગ સાહસિકોની બેઠકને પણ સંબોધિત કરશે. મોદી વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.