સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ સુધી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ આયોજિત કરાયો છે. માણસા તાલુકાના પડુસ્મા ગામે અભિનવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1માં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. વધુમાં સરકાર દ્વારા આપવામાં આવતી નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ વગેરે યોજનાઓથી વાલીઓને અવગત કરવામાં આવ્યા હતા.


શાળાના શિક્ષક ભાવેશભાઈ દ્વારા બાલવાટિકા બાળકોને ગણવેશ સહાય આપવામાં આવી હતી. જ્યારે ગામના પ્રગ્નેશભાઈ શાહ પરિવાર દ્વારા બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. શાળાના શિક્ષિકા કુંવર બેન અને હેતલબેન દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ગામના મહેન્દ્રસિંહ દ્વારા તેજસ્વી તારલાઓને પાણીની બોટલ આપવામાં આવી હતી. અંદાજે કુલ ૫૦,૦૦૦ની સહાય બાળકોને આપવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, ટ્રાન્સપોર્ટશન વાનનું ઉદઘાટન કરાયું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં નાયબ મામલતદાર જીગરભાઈ, શાળાના આચાર્ય સતિષભાઈ પટેલ, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.