ગાંધીનગર જિલ્લાના ખેડૂતો હવે ડાંગર, બાજરી સહિતના પાકોના વાવેતર માટે વરસાદની રાહ જોઈને બેઠા છે. એક તરફ લોકો ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. જિલ્લામાં ડાંગરના ધરું નાખવાની પ્રક્રિયા ખેડૂતોએ શરૂ કરી દીધી છે પણ હજી વરસાદ સામે મીટ માંડીને બેઠા છે.

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગાંધીનગર જિલ્લામાં કપાસનું ૬૬૧૦ હેક્ટરમાં, મગફળીનું ૧૩૪૯ હેક્ટરમાં, શાકભાજીનું ૨૪૧૩ હેક્ટરમાં અને ઘાસચારાનું ૪૨૦૯ હેક્ટરમાં વાવેતર થયું છે. ડાંગર, બાજરી, જુવાર અને કઠોળ સહિતના વિવિધ પાકના વાવેતર માટે ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં ખરીફ પાકના વાવેતર સંબંધે માહિતી આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ વાવેતર ૪૮૪૧ હેક્ટરમાં માણસા તાલુકામાં નોંધવામાં આવ્યું છે. જ્યારે બીજા ક્રમે દહેગામ તાલુકામાં ૪૫૯૧ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્રીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં ૩૨૦૨ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે સૌથી ઓછું વાવેતર ૧૯૪૭ હેક્ટરમાં કલોલ તાલુકામાં નોંધવામાં આવ્યું છે. મુખ્ય પાક પૈકી કપાસમાં માણસા તાલુકામાં ૨૪૯૨ હેક્ટરમાં, દહેગામ તાલુકામાં ૧૮૬૨ હેક્ટરમાં, ગાંધીનગર તાલુકામાં ૧૩૭૭ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૮૭૯ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.