અમદાવાદ: આગામી ૧૫મી જૂનના રોજ રાજ્યભરમાં યોજાનારી લોકરક્ષક દળ (LRD) કેડરની લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉમેદવારોના સરળ પ્રવાસ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ૭ મુખ્ય શહેરો – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર – ખાતે પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે, જ્યાં અંદાજે ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

ઉમેદવારોની સુવિધા માટે, GSRTC દ્વારા ૧૪ અને ૧૫ જૂનના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રો નજીકના ડેપો સુધી પહોંચવા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. પરિવહન નિગમે દરેક ડેપો ખાતેથી અલગ ફાળવેલા બસ રૂટ્સ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. ઉમેદવારો http://gsrtc.in વેબસાઇટ પરથી એડવાન્સમાં ટિકિટ બુક કરી શકશે અથવા નજીકના ડેપો ખાતે કાઉન્ટર બુકિંગ દ્વારા પણ સેવા મેળવી શકશે. યાત્રા સંબંધિત કોઈપણ માહિતી કે પ્રશ્નો માટે GSRTCનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ૨૪x૭ ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાથી પરીક્ષા આપવા જતા ઉમેદવારોને મોટી રાહત મળશે.