યોગેશ શાહ, મોડાસા: માલપુર તાલુકા અને ગામ માટે ગૌરવની ક્ષણ આવી છે, કારણ કે 23 મે, 2025ના રોજ મુંબઈ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત “BHARAT RATNA SAHAKARITA SANMAAN – 2025” કાર્યક્રમમાં માલપુરની કામધેનુ સહકારી સંસ્થા, શ્રી માલપુર નાગરિક સહકારી બેંક લી. દ્વારા નોમિનેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના યુવા અને શ્રેષ્ઠ ચેરમેનશ્રી મિતુલભાઈ આર. મહેતાને “BEST CHAIRPERSON OF THE YEAR” (શ્રેષ્ઠ ચેરમેન) નો એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, માલપુર અને બાયડના પૂર્વ ધારાસભ્યશ્રી જશુભાઈ એસ. પટેલના સુપુત્ર, સાબરકાંઠા બેંકના ડિરેક્ટરશ્રી, માલપુર નાગરિક બેંકના ડિરેક્ટરશ્રી, માલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી અને માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી નિશ્ચલભાઈ જે. પટેલને “BEST DIRECTOR OF THE YEAR” (શ્રેષ્ઠ ડિરેક્ટર) ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બંને પ્રતિષ્ઠિત એવોર્ડ્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડાયરેક્ટર માનનીય સતીશ મરાઠે, NUCFDC ના CEO પ્રભાત ચતુર્વેદી, અને ભારત સરકારના સંચાર મંત્રાલયના DDG (જૉઇન્ટ સેક્રેટરી લેવલ) સુમેષ જોશીના વરદ હસ્તે માલપુર ગામ અને તાલુકાના આ બંને યુવા લોકસેવકોને એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારંભમાં માલપુર નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટરશ્રી યોગેશભાઈ એચ. પંડ્યા અને પૂર્વ મેનેજિંગ ડિરેક્ટરશ્રી રોહિતભાઈ ડી. પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ એવોર્ડથી માલપુર નાગરિક બેંકના તમામ સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, બેંકના તમામ સ્ટાફ મિત્રો તથા માલપુર તાલુકા અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સૌએ આ બંને સન્માનિત યુવા નેતાઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી માલપુર નાગરિક બેંકની સતત પ્રગતિ અને ઉન્નતિ માટે સારા કાર્યો કરવા માટે પ્રયત્નશીલ રહે તેવા શુભ આશીર્વાદ આપ્યા હતા.