ગુજરાત સરકાર રાજ્યભરમાં સ્માર્ટ મીટરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. જે અંતર્ગત રાજ્યના ઉર્જા વિભાગે સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે વિશેષ રાહતોની જાહેરાત કરી છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બપોરે ૧૧થી ૩ વાગ્યા દરમિયાન વપરાશ થતી વીજળી પર પ્રતિ યુનિટ ૬૦ પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે. સ્માર્ટ મીટરનું બિલ પ્રિ-પેઇડ કરાવનાર ગ્રાહકોને એનર્જી ચાર્જમાં ૨ ટકાની રાહત આપવામાં આવશે. રાજ્યમાં હાલમાં ૧૦ લાખથી વધુ ગ્રાહકો સ્માર્ટ મીટરનો ઉપયોગ કરે છે. આ રાહતોનો હેતુ વધુને વધુ ગ્રાહકોને સ્માર્ટ મીટર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સ્માર્ટ મીટર સામેના વિરોધને શાંત પાડવા માટે પોતાના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવીને લોકોને પ્રેરણા આપી છે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાંથી રાજ્યના લગભગ ૧.૫ કરોડ વીજગ્રાહકોને લાભ થશે. સ્માર્ટ મીટર પ્રિ-પેઇડ કરનાર ગ્રાહકોને વીજ વપરાશ કર્યા પછી મહિનામાં બિલ ભરવાની પદ્ધતિને બદલે ૨ ટકાની રાહત મળશે.
