ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના ભાગરૂપે અને શહેરની સુંદરતામાં કાયમી ધોરણે વધારો કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના ચ-૦ સર્કલની બંને બાજુના લેન્ડસ્કેપમાં કાયમી ડેકોરેટીવ રોશની લગાવવામાં આવી છે, જેનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં આકર્ષક લાઇટિંગ સ્ટ્રક્ચર્સ, ગ્લોઇંગ આર્ટિકલ્સ અને વિવિધ નયનરમ્ય આકૃતિઓની રોશની મૂકવામાં આવી છે. આ કાયમી ડેકોરેટીવ લાઇટિંગ શહેરની રાત્રિની શોભામાં એક વિશેષ આકર્ષણ ઊભું કરશે અને ગાંધીનગરના નગરજનો માટે એક સુંદર નજરાણું બની રહેશે.
આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના ધારાસભ્ય રિટાબેન પટેલ અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ ગાંધીનગરની સુંદરતામાં વધારો કરવાની મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.