આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે ધંધા-રોજગારની તક પૂરી પાડવા માટે મ્યુનિ. દ્વારા એસ.જી.હાઇવે ઉપર વેજલપુર કે મકરબાનાં પ્લોટમાં સાડા આઠ કરોડથી વધુનાં ખર્ચે અમદાવાદ હાટ બનાવવામાં આવનાર છેમ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં વિકાસ માટે આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે અને તેને સાકાર કરવામાં મદદરૂપ થવા માટે મ્યુનિબજેટમાં ૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ જોગવાઇ થકી શહેરમાં વિવિધ ધંધા-રોજગાર, ગૃહ ઉદ્યોગ તથા કુશળ કારીગરોને પૂરતી તક આપવા માટે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર હાટ જેવુ અમદાવાદ હાટ બનાવવા માટે યોગ્ય પ્લોટ ફાળવવા માટે એસ્ટેટ ખાતાને સૂચના આપવામાં આવી હતી.તેનાં અનુસંધાને એસ્ટેટ ખાતાએ વાયએમસીએ ક્લબની બાજુમાં ટીપી સ્કીમ ૨૫(વેજલપુર) તથા ટીપી ૨૬(મકરબા) એમ બે પ્લોટ જે સામાજીક માળખાનાં હેતુ માટે રિઝર્વ છે તે સ્ટે.કમિટી ચેરમેનનાં ધ્યાને લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોનનાં ઇજનેર ખાતા દ્વારા મ્યુનિ. પ્લોટમાં અમદાવાદ હાટ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી.
આ કન્સલ્ટન્ટે લેન્ડસ્કેપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનાં અમદાવાદ હાટનાં નિર્માણકાર્ય માટે ૮.૮૦ કરોડનો ખર્ચ થવાનાં અંદાજ સાથેની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્ત અનુસાર, ૧૩૫૦૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરિયાનુ બાંધકામ કરવામાં આવશે, જેના માટે કન્સલ્ટન્ટ દ્વારા ૬૦૦૦ રૂપિયા પ્રતિ ચોરસ મીટરનો ખર્ચ થવાનો અંદાજ મુકી કુલ ૮.૧૦ કરોડ અને લેન્ડસ્કેપીંગ સહિત અન્ય ખર્ચ મળી ૮.૮૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ દર્શાવ્યો છે. અમદાવાદ હાટ માટેનાં કન્સલ્ટન્ટે પહેલાં તો પ્રોજેક્ટ કોસ્ટનાં ૧.૨૫ ટકા લેખે ફી ચૂકવવાની માંગણી કરી હતી, પરંતુ કમિશનરે ફી ઘટાડા માટે જણાવતાં ૦.૯૦ ટકા ફી સ્વીકારવાની તૈયારી દર્શાવાતા તેમને કામ સોંપાયુ છે.
જમાલ મેધરેજી અમદાવાદ
By The Press Solution