ગુજરાતના મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઈમેલમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી.

આ ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આ ઘટનાથી વાલીઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. છેલ્લા બે અઠવાડિયામાં આ ત્રીજી એવી ઘટના છે જ્યાં શાળાઓને આવી ધમકીઓ મળી છે, જેના પગલે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે અને સઘન તપાસ હાથ ધરી છે.