ઓપનએઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે. આ ઉપરાંત, તેના મોડેલની જટિલતાની ગણતરી માટે ચીપસેટ, તેનું ટેસ્ટીંગ અને તેના ડેટા સ્ટોરેજ અને તેને લગતી સેવાઓ આપતી અમેરિકન કંપનીઓ પણ અબજો ડોલરનો ખર્ચ કરે છે. ડીપસીકના એકદમ સસ્તા મોડેલથી આ બધી કંપનીઓએ કરેલા રોકાણ અને તેની સામેના વળતર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તેના કારણે શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવે છે. ડીપસીક-વી3 ઓપન સોર્સ છે, જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ દુનિયાભરના ડેવલપર્સ કરી શકે છે, જેમાં વિકાસશીલ દેશોમાં નાની કંપનીઓ અને સંશોધકોનો પણ સમાવેશ થાય છે. તે દુનિયામાં એઆઈ ટેકનોલોજી વિસ્તૃત કરવામાં અને મોટી નાણાકીય સહાય ન ધરાવતા દેશો માટે ઇનોવેશન માટે સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. હવે જ્યારે ચીન એઆઈની દુનિયામાં એક મજબૂત અને મોટો ખેલાડી બની ગયો છે, ત્યારે વૈશ્વિક એઆઈ નેતૃત્વ માટેની સ્પર્ધા વધુ સંતુલિત રહેશે અને એઆઈનું ભવિષ્ય ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો દ્વારા નક્કી કરવામાં આવશે.
