Updated: Jun 3rd, 2024


– નિર્માતા સંગઠનો દ્વારા મીટિંગોનો દોર
– સ્ટાર્સનો પોર્ટફોલિયો સંભાળતી એજન્સીઓને પણ હાજર રાખી ફી ઘટાડા વિશે ખાતરી મગાઈ
મુંબઈ: બોલીવૂડમાં પાછલા કેટલાક મહિનાઓથી અનેક ફિલ્મો ફલોપ ગઈ છે. સામાન્ય રીતે ઉનાળુ વેકેશન બોલીવૂડ માટે કમાવાના દિવસો હોય છે પરંતુ આ વખતે ઉપરાછાપરી ફિલ્મો ફલોપ થયા બાદ ઉનાળાના વેકેશનની સિઝન લગભગ ખાલી જ ગઈ છે. આ સંજોગોમાં ફિલ્મ નિર્માતાઓએ સમગ્ર ફિલ્મ નિર્માણનો ખર્ચ ઘટાડવા માટે સ્ટાર્સ તેમની બેફામ ફી પર લગામ તાણે તેવી માગણી કરી છે.
બોલીવૂડના નિર્માતાઓનાં બે મોટાં સંગઠનો પ્રોડયૂસર્સ ગિલ્ડ તથા ઈમ્પા દ્વારા આ મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા સ્ટાર્સનું પ્રતિનિધિત્વ કરતી ટેલેન્ટ મેેનેજમેન્ટ એજન્સીઓના પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. તેમને તેમના ક્લાયન્ટ સ્ટાર્સની ફી રેશનલાઈઝ કરવા જણાવ્યું હતું. આ એજન્સીઓએ એવી ખાતરી આપ્યાનું કહેવાય છે કે તેઓ આ દિશામાં ઘટતી કાર્યવાહી કરશે.
બોલીવૂડ નિર્માતાઓના જણાવ્યા અનુસાર સાઉથમાં સ્ટાર્સની ફી કુલ બજેટના માંડ ૨૦ ટકા જેટલી હોય છે.
જ્યારે બોલીવૂડમાં મોટાભાગના પ્રોજેક્ટમસાં ૮૦ ટકા હિસ્સો જ સ્ટાર્સની ફીમાં ખર્ચાઈ જાય છે. તેમાં પણ હવે તો બોક્સ ઓફિસ પર સફળતાની કોઈ ગેરન્ટી નહી ધરાવતા સ્ટાર્સના ઓવરહેડ ખર્ચા પણ વધી ગયા છે. તાજેતરમાં ફિલ્મ સર્જક ફરહા ખાને ફરિયાદ કરી હતી તેમ એક એક હિરો પોતાના માટે ત્રણ ત્રણ વેનિટી વાનની માગણી કરે છે. વિદેશના લોકેશન પર શૂટિંગ હોય તો પોતાના બિનજરુરી પર્સનલ સ્ટાફને પણ સાથે લાવે છે અને તેમના ખર્ચા પ્રોડયૂસરના માથે નાખે છે.
નિર્માતાઓના મતે સ્ટાર્સની પાછલી ફિલ્મોએ ટિકિટબારી પર જે પ્રમાણે દેખાવ કર્યો હોય તે પ્રમાણે તેમની ફીમાં વધઘટ થવી જોઈએ.
જોકે, કેટલાક સંજોગોમાં અમુક સ્ટાર્સ પોતાની ફીમાં કાપ પણ મૂકે છે. તાજેતરમાં શાહિદ કપૂર સહિતના કેટલાક સ્ટારે પોતાની ફી ઘટાડી હોવાના અહેવાલો હતા.